અહંકાર અને રાખ
શિવપુરાણ અનુસાર, જે વ્યક્તિ નિયમિતપણે માથાના એક છેડાથી બીજા છેડા સુધી રાખથી બનેલું ત્રિપુંડ (ત્રણ રેખાઓ) કપાળ પર લગાડે છે, તેના બધા પાપોનો નાશ થાય છે અને તે વ્યક્તિ શિવના આશીર્વાદ માટે પાત્ર બને છે.
પણ આ રાખ / ભસ્મનો બીજો ઉદેશ્ય પણ છે. જ્યારે વ્યક્તિ એ પોતાના કપાળ પર લગાડે છે ત્યારે એ સામેવાળાને એક સંદેશો આપે છે. એ સમયમાં ઘણાં લોકો રાખ એ રીતે લગાડતાં અને જ્યારે લોકો વચે ઉગ્ર બોલાચાલી થતી, મગજમારી થતી, ત્યારે સામેવાળાના કપાળ પર એ રાખ જોઈને કંઈક યાદ આવી જતું. કે ભલે અત્યારે એ ગુસ્સો કરે કે મગજમારી કરે કે હોશિયારી દેખાડે, આખરે તો એ "રાખ" જ થવાનો છે અને હું પણ....
છેલ્લે આપણે સૌ કો "રાખ" જ થવાના છીએ, એ હંમેશા યાદ રાખવાનું છે. આજના સમયમાં માત્ર સાધુઓ સિવાય કોઈ લોકો આ રાખની ત્રિપુંડ કરતાં નથી. અને લોકો એમ માને છે એ લોકોને ક્યારે કંઇ થવાનું નથી.
મને આ વાત અને એનો ઉપદેશ હંમેશા યાદ રહે છે. હું ગુસ્સો જરૂર કરું છું પણ મનમાં વેર રાખતો નથી. ગુસ્સા કરતાં "વેર" અને બદલાની ભાવના બહુ ખતરનાક છે.
જ્યારે કોઈ વ્યક્તિ પાસે પૈસો અને પાવર હોય અને જો એ અહંકારી હોય તો જ્યારે એનો કોઈ સાથે ઝગડો કે મગજમારી થાય પછી એ મનમાં "વેર" અને બદલાની ભાવના રાખે છે. પછી એ પોતાના પાવર, પૈસા, હોદ્દાનો ઉપયોગ કરી બીજાને હેરાન કરે છે. જ્યારે સામે વાળો હેરાન થાય, પરેશાન થાય તો એને મજા આવે! એના અહંકારને સંતોષ થાય.
આ તો કેવો અહંકાર! જો વ્યક્તિમાં સમજ, શક્તિ અને અનુભવ હોય તો એનો ઉપયોગ બીજાને હેરાન કરવા શું કામ કરવો? લોકોની ભલાઈમાં શા માટે ન કરવો?
ગુસ્સો કરતા વ્યક્તિ તરત પાધરા પડી જઈને વિલન બની જાય છે... પણ ખરેખર વિલન તો એ "વેર" અને બદલાની ભાવના રાખનાર લોકો છે.
આ લોકોને કોઈ "રાખ" દેખાડો! એની કંઇક સમજ આપો તો એમનો અને બીજાનો કલ્યાણ થાય!!