અનિશ્ચિતતા અને રોમાંચ!
હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ. ટી.)માં કામ કરું છું. લગભગ 2 વર્ષ પહેલાં ઓફિસમાં એક સર્વરનું સેટઅપ કર્યું હતું. જેના માટે થોડું રિસર્ચ કરીને એના પાર્ટ્સ જેમ કે પ્રોસેસર, મધરબોર્ડ વગેરેની ખરીદી કરી. હું બહુ ઉત્સાહિત હતો. કંઇક નવું. બધી વસ્તુ લેટેસ્ટ હોવાથી એનો પરફોર્મન્સ પણ વધારે હશે, એટલે સ્ટાફને પણ ગમશે, એમ વિચાર્યું.
બધું પ્લાનિંગ પ્રમાણે થઈ ગયું. ધાર્યા પ્રમાણે પરફોર્મન્સ મળ્યું. હું ખુશ હતો અને બીજી પ્રવૃત્તિમાં પડી ગયો. એક દિવસ અચાનક ઈલેક્ટ્રીસિટીમાં કોઈ ફોલ્ટ થયો. લાઈટ હાલી ગઈ. થોડીવાર પછી લાઈટ આવી પણ વસ્તુ પેલા જેવી જ ન રહી. એક લાઈટના જટકા એ બધું બદલી નાખ્યું હતું. સ્ટેબીલાઇજર અને યુપીએસ હોવા છતાં એ સર્વરનો મધરબોર્ડ ખરાબ થઈ ગયું. થોડી ક્ષણો પહેલાં હું જેને મારી સફળતા ગણતો હતો, અને એને ભૂલીને બીજા કામમાં લાગી ગયો હતો, અને અચાનક પરદા પરનો ચિત્ર બદલાઈ ગયું. અનિશ્ચિતતા!
પણ છતાં ફરીથી રિસર્ચ કરીને નવાં પ્રોસેસર, મધરબોર્ડ મંગાવ્યા છે અને નવો સર્વર તૈયાર કરી રહ્યો છું. હું ફરીથી રોમાંચિત છું. ફરીથી કંઇક નવું કરવા! ફરીથી ઉત્સાહિત!
આઇટી અને જિંદગી બંને સરખા નથી! દરેક ક્ષણ અનિશ્ચિતતા! અને જે તમે કરી રહ્યા હો એ તમારી પસંદગીની પ્રવૃત્તિ હોય તો દરેક ક્ષણ રોમાંચ!
2001 માં મને યાદ છે કે ઓફિસ 10 વાગે જવાનું હોય એટલે અને જાન્યુઆરીમાં સવારે ઠંડી હોવાથી હું સવારે 9 વાગ્યે ઉઠતો. ત્યારે અમે બહુમાળી ઇમારત રહેતા. 26-જાન્યુઆરી-2001 હું ભુજથી કોઈ કારણોસર બહાર હતો. ધરતીકંપ લગભગ પોણા નવ વાગ્યે આવ્યું, જ્યારે હું સૂતો હોઉં! સાંજે ભુજ આવીને જોયું તો, અમારી એ બહુમાળી ઇમારત જમીનદોસ્ત! હું બચી ગયો... ત્યારે ફરીથી જોઈ જિંદગીની અનિશ્ચિતતા! અમુક સેકન્ડના ખેલમાં બધું ધ્વસ્ત અને વેર વિખેર...
પણ સમયની સાથે બધું થાળે પડતું ગયું, નવું ઘર મળ્યું.... 2005 માં લગ્ન થયાં, 2007માં લક્ષ્મી આવી! હું ફરીથી રોમાંચિત થઈ ગયો!
2020માં કોરોના વાયરસ આવ્યો. લોકડાઉન થયું. ચારેબાજુ સાચા ખોટા સમાચાર ફરી પાછી અનિશ્ચિતતા! કેટલાય લોકોના જીવ ગયા, ધંધા રોજગાર ગયા, મારું શું થશે? અનિશ્ચિતતા!
પણ તકેદારી રાખી, 2 ડોઝ વેક્સિનનાં લીધા અને બધું બરાબર. ગાડી પાટે ચડી ગઈ, નોકરી ચાલુ....અને હું ફરી પાછો રોમાંચિત!
મેં-2022 માં ચારધામ યાત્રા કરી. બે વર્ષના લોક ડાઉન પછી આ વર્ષે આ યાત્રા ફરીથી ચાલુ થઈ. પણ મનમાં ચિંતા હતી કારણ કે ઘણી બધી અનિશ્ચિતતા હતી. ઘણી ભીડ હશે, રસ્તા ખરાબ હશે, વરસાદ પડશે તો? હું થાકી જઈશ? મારાથી આવા ઊંચા પહાડોની યાત્રા થશે? ઘણાં લોકોના ઓછા ઓક્સિજનને કારણે મૃત્યુ થઈ જાય છે... આ બધી અનિશ્ચિતતા છતાં મનમાં રોમાંચ હતો, પહાડ અને નદી જોવાનો, ચારધામની યાત્રા અને દર્શન કરવાનો, ગંગામાં ડૂબકી લગાવવાનો.
અનિશ્ચિતતા અને રોમાંચ! આ બધું જોઈને મને મારું નાનપણ યાદ આવી જાય છે. જાણે હું એક મોટા ચકડોળમાં બેઠો હોઉં, એ જ્યારે બહુ ઊંચાઈથી નીચે આવે ત્યારે ડર પણ લાગે, પેટમાં કંઇક કંઇક થાય પણ રોમાંચ પણ એટલો, મજા પણ આવે!
અનિશ્ચિતતા અને રોમાંચ! જાણે કોઈ સિકકાની બે બાજુ. ક્યારેક એક બાજુ, ક્યારેક બીજી.